Thursday, December 8, 2016

Assistance Form Purvinbhai R Thakkar



ઓ મૂરખ મન,
કરી લે કીર્તન,
તું નામ હરીનું ઘૂંટી લે,
હરીનામ તણું સાચું નાણું,
તું ભાવ ધરીને લૂંટી લે,
ઓ મૂરખ મન...

સેવા કરવી તો જનસેવા,
ને સ્મરણ હરીનું સાચુ છે..
(રાગઃચંદન સા બદન, ચંચલ ચિતવન,- સરસ્વતીચંદ્ર)


પ્રાતઃસ્મરણીય શ્રી બિંદુ ભગતજીના ભજનની એક રચનાના આ શબ્દો છે..કેવી ઉમદા વાત! 

હે જીવ, તું હરીનામ તણું સાચુ નાણું લૂંટી લે..
અને જો સેવા કરવી હોય તો, સાચી સેવા, તે જન સેવા છે...



હરીનામનું નાણું લૂંટી લેવા મનમાં પ્રભુ માટેનો કોઇક ભાવ ધારણ કરીને ભગવાનના નામની લૂંટ ચલાવવાની...

ભક્તિભાવ જેમના જીવનમાં ઉતરી ગયેલો છે એવા શ્રી રણછોડોભાઇ પૂંજાભાઇ ઠક્કર, એકદમ ઓલીયો જીવ. જ્યાં જ્યાં સત્સંગ હોય ત્યાં પહોંચી જાય. સત્સંગમાં જાય અને સભામંડપ ભરેલો હોય અને બેસવાની જગ્યા દેખાતી ના હોય તો ? શરમાળ કહો કે પછી અત્યંત નમ્ર અને વિવેકી સ્વભાવ કહો, પણ રણછોડભાઇ સભામંડપની બહાર તેમની સાયકલને સ્ટેન્ડ ઉપર ચઢાવી ઉભા રહી જાય. હાઇટ પર્યાપ્ત એટલે, એક પગ ઢીંચણમાંથી વાળીને સાયકલના કેરીયર ઉપર ટેકા માટે મૂકે. તપ કરતાં ધ્રુવજી જોઇ લો! એક પગે ઉભા રહીને અત્યંત એકાગ્રતાથી વક્તાની વહેતી વાણીને સભામંડપની બહાર મન ભરીને સાંભળે. કપડા એકદમ સાદા. તેમની પ્રકૃતિનો નીચોડ એટલે આડંબરનો સદંતર અભાવ. આવા રણછોડભાઇને જોતાં, પાનબાઇના ભજનનો સાર સાકાર થતો લાગે ‘‘..ભક્તિ રે કરવી તેને રાંક થઇને રહેવું...મેલવું અંતરનું અભિમાન રે..’’ 

એક બાજુ આવા સરળ રણછોડભાઇને જોઇએ. ત્યારે બીજી બાજુ, સત્સંગના સ્થાને ભરી સભાની વચ્ચે મહારાજાની અદાથી સડસડાટ ચાલ્યા જતા શ્રોતાઓ કો‘ક વાર જોવામાં આવે છે!! અત્યંત આત્મવિશ્વાસથી ભરેલા ડગથી અને આજુબાજુના માહોલની પરવા ના કરવા જેટલા તેઓ બહાદુર લાગતા હોય છે !!

શ્રી રણછોડભાઇ એટલે સહીયારૂ અભિયાન સાથે ઉદાર સહાયક તરીકે સંકળાયેલા, શ્રી પૂર્વીનભાઇના પિતાશ્રી. ભક્તિ અને સેવાના ગુણો પૂર્વીનભાઇમાં ય ઉતરેલા છે. બસ, બીજી કોઇ જ દખલગીરી કે આડંબર નહીં. બસ એક ઉદાર અને સાચા સહાયક. 

શ્રી પૂર્વીનભાઇનો જન્મ દિવસ ૭ મી ડીસેમ્બ્બર છે. જન્મદિવસ ઉજવવાની બધાની પોત-પોતાની રીત અને પસંદગી હોય છે. શ્રી પૂર્વીનભાઇએ સ્થાપેલ અને વિકસાવેલ વ્યવસાય કોઇ વારસાગત કે પૈતૃક બિઝનેસ નથી. તેમની આગવી સૂઝ અને ખંતથી નવા ક્ષેત્રો અત્યંત મહેનત કરીને તેમણે સર કરેલા છે. અલબત્ત, સરળતા-સહૃદયતા અને આડંબરનો સદંતર અભાવ જેવા કર્મજ્ઞાનના નક્કર પૈતૃક ગુણો તો પૂર્વીનભાઇને વારસામાં મળેલા છે. 

અગાઉના વર્ષની પરંપરા જાળવવાની સાથે શ્રી પૂર્વીનભાઇ તરફથી ૫૦ વર્ષ થવા નિમિત્તે સહીયારૂ અભિયાનને કીટ વિતરણમાં સિંહફાળા સમાન સહયોગ મળેલ છે. સંસ્થા પૂર્વીનભાઇનો આભાર માને છે..

પૂર્વીનભાઇને તેમના જન્મદિવસ નિમિત્તે સહીયારૂ અભિયાન પ્રગતિમય જીવન અને વધુ સારા આરોગ્યની શુભેચ્છા પાઠવે છે.