જે આપે છે તે જ પામે છે

              તાપી નદીના કિનારે એક ગામ હતુ.
              એમાં ડોશીઓ રહેતી હતી.
              એકનું નામ ગંગા ને બીજીનું નામ જમના.
              ગામછેવાડે બંનેના ઘર હતા-બિલકુલ જોડાજોડ

પણ ગંગાનુ ઘર હતુ મોટો બંગલો અને જમનાનું હતુ એક નાનકડું છાપરું.

              ગંગા શ્રીમંત હતી, જમના ગરીબ હતી. ગંગાને ઘેર કશી વાતની કમી નહોતી. તે રોજ સારું ખાતીપીતી, પહેરતીઓઢતી, ને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે કરીને દિવસ પૂરો કરતી.

              જમના રોજ સવારમાં વહેલી ઊઠીને વાસી રોટલો ખાઇ મહેનતમજુરી કરવા જતી, ને સાંજે થાકી પાકી ઘેર આવતી. પછી ન્હાઇ ધોઇને બે રોટલા ટીપી કાઢે - એક ખાય, ને બીજો સવાર માટે રાખી મૂકે.

              આમ બંને ડોશીઓ જોડાજોડ રહેતી હતી, વળી બંને એકલી હતી, છતાં કદી બંને વચ્ચે વાતચીતનો વહેવાર ન્હોતો. જમના વહેલી સવારે કામ પર જાય, તે સાંજે આવે, અને ગંગા આખો દિવસ ઘરમાં જ રહે !

              આમ તેમના દિવસો જતા હતા.

              એવામાં એક વખત એવું બન્યું કે, બંને ડોશીઓ પોતપોતાના ઘરમાં હતી. ચોમાસાના દિવસો હતા, આકાશમાં વાદળા હતાં ને રહીરહીને વરસાદ પડતો હતો.

               ગંગાનું ઘર પાકું ને મોટું હતું, એટલે એને વરસાદથી કંઇ તકલીફ ન્હોતી, પણ જમનાના ઘરના છાપરામાં સો તો ચૂઆ હતા. ઠેરઠેર પણી દડતું હતું. ક્યાંય સૂવાની તો શું, પણ ઊભા રહેવા જેટલીયે કોરી જગા ન્હોતી. આવામાં જમના ડોશીએ જેમતેમ કરીને ચૂલો ચેતાવ્યો. ભેજથી લાકડું સળગે નહીં ત્યારે ડોશીને એવું થઇ જાય કે, લાકડાને બદલે મારા પગ ચૂલામાં ઘાલીને દેવતા સળગાવું ને રોટલા શેકું. ડોશી આખા દિવસની ભૂખી હતી. ખાધા વિના કેમ ચાલે? મહાપરાણે દેવતા સળગ્યો, ને ડોશીને બે રોટલા ઉતાર્યા. એક ખાધો ને બીજો બીજા દિવસ માટે રાખી મૂક્યો.

              પછી ઘરમાં થોડીક કોરી જગા શોધી ડોશી કોકડું વળીને પડી.

              બાજુના બંગલામાં, ગંગા ડોશીએ ફક્કડ માલપૂઆ ઉતારીને ખાધાહતા, ને હવે હિંડોળાખાટ પર ધીરે ધીરકે પગ ઝુલાવતી બેઠી હતી.

               એટલામાં  એના બારણાં ખખડ્યાં, કોઇ એને બોલાવતું હતું, એણે ઊઠીને બારણા ઉઘાડ્યા, જોયું તો બહાર અહેક સાધુ મહારાજ ઊભા હતા.

               ગંગા ડોશીને જોઇને સાધુએ કહ્યું, ‘ગંગા મા, પેલી ટેકરી પર મારી મઢૂલી છે. કોઇ ગરીબગુરબું આવે, કોઇ દીનદુઃખી આવે તો હું એને મારી મઢૂલીમાં આશરો આપુ છું. અત્યારે એક બાઇ મારે આશરે આવી છે. એના ઘરબાર, માલમિલકત બધું પૂરમાં તણાઇ ગયું છે, ને માત્ર પહેરેલ લૂગડે એ ભાગી છૂટી છે. એના વાસ્તે કંઇ લૂગડું ને ખાવનું માંગવા અહીં આવ્યો છું’

              ‘કોણ છે એ બાઇ?’ ગંગાએ પુછ્યું.
           
              ‘કોણ છે એ તો કેમ કરીને કહુ, મા?  પણ ભગવાનનું સરજેલું માનવી છે. જેવા હું અને તમે, એવી એ.’

              ‘પણ એની કંઇ નાતજાત?’

              ‘નાત જાત ? દીનઃદુખીને વળી નાતજાત શું, મા? બધાં માણસ ! માણસ એ જ મોટી નાત છે. આશરે આવે એને આશરો આલવો, રોટલો આલવો, પહેરવાઓઢવા લૂગડું આલવું ને એનું દુઃખદરદર હળવું કરવું-આ અમારો સાધુનો ધરમ, મા! આપણો બધાયનો ધરમ મા! એટલે તો હું તારી પાસે આવ્યો છું! બાઇ બિચારી બહુ દુઃખી છે, બધુ ખોઇ બેઠી છે. તમારાથી કંઇ બને તો એના વાસ્તે આલો!’

              ડોશીએ કહ્યું, ‘ખરું ખરું! જરા થોભો! હું ઘરમાં જોઉ એને આલવા જેવું કંઇ હોય તો-’

              સાધુ બહાર ઉભો રહ્યો, ને ગંગા ડોશીએ ઘરમાં ચચારે તરફ જનર કરી - ઘરમાં શું ન્હોતું? નવા ને નવા વસ્ત્રોથી કબાટ ભરેલાં હતા - કંઇ કેટલીય જાતના ને ભાતના વસ્ત્રો હતાં. એમાંથી એકાદ વસ્ત્ર બહુ સહેલાઇથી આપી શકાય! ગંગા ડોશીએ કબાટ ઉઘાડ્યું ને એક નવી નક્કોર સાડી કાઢી. કાઢી તો ખરી, પણ પછી થયું; ‘ઊંહું! આવી નવીનક્કોર ને મોંઘી સાડી આવી ભિખારણ બાઇને કેમ અપાય?’  એ સાડી પાછી મૂકી ડોશીએ બીજી ઘસાયેલી સાડી કાઢી, પણ પાછું થયું; ‘ઊંહું! આ કેમ અપાય? બાઇ શી ખબર કોણ હશે ને કોણ નહીં એને આવી સાડી પહેરતાંયે નહીં આવડે!’ વળી એ ધોયેલી સાડી પાછી મૂકી એણે બીજી જૂની ને સાંધેલી સાડી કાઢી. ત્યાં એનું મન બોલ્યું; ‘ઊંહું!  આ સાડીછ જૂની છે, સાંધેલી છે, પણ તોય કેવી ફક્કડ છે! હજી બાર મહિના ચાલે એવી છે!’  આમ એકેય લૂગડું એને આપવા જેવું લાગ્યું નહીં. ત્યારે એની નજર એક ફાટેલા ગાભા પર પડી. ડોશી કહે; ‘હં, આ આપું ! બાઇ ગરીબ છે તે અભાગણી છે. એના નસીબમાં આવા ગાભાયે ક્યાંથી? આ તો હું ઉદાર છું એટલે આટલું આપું છુ. મારો દયાનો જીવ ખરો ને!’

              બાઇને આપવા માટે એણે એ સાડલાનો ગાભો પસંદ કર્યો પછી એણે આપવા માટે ઓઢવાપાથરવાનું શોધ્યું, ઘરમાં ઓઢણ-પાથરણની કંઇ ખોટ ન્હોતી. મોટો રાજા મહારાજા આવી ચઢે તો એને ય મનમાં અદેખાઇ આવે એવા ઓઢણપાથરણ ગંગાના ઘરમાં હતા. પણ આ તો કો’ક અજાણી ભિખારણ બાઇ હતી, એને એવું કિંમતી ઓઢણપાથરણ કેમ અપાય? બીજું પણ ઓઢવા પાથરવાનું ઘરમાં હતું. ડોશીએ એક પછી એક એ કાઢી કાઢીને જોવા માંડ્યું ને બોલવા માંડ્યું; ‘ ઊંહું ઊંહું! આ ન અપાય! બાઇ શી ખબર કોણ હશે ને કોણ નહીં!  એ કેવી હશે ને કેવી નહીં! એને મેલા શરીર પર આવું ફક્કડ ઓઢવાપાથરાવનું શોભે કેમ કરીને? એને પેલી ગોદડી  ઠીક રહેશે! આમ પછી એ બોલી; ‘ ઊંહું! આ ગોદડી છે ફાટેલી, પણ કેવી ફક્કડ છે! આમ ને આમ સાત વરસથી એ પડી રહી છે ને બીજા સાત વરસથી પડી રહે તો યે એને કંઇ થવાનું નથી! આવી ફક્કડ ગોદડી એ ગંદી બાઇને કેમ અપાય?’ 

              આમ બહુ બહુ વિચાર કરીને તેણે છેવટે એક કંતાનનો કકડો ને એક કોથળો પસંદ કર્યો. તે બોલી; ‘હં, આ જ ઠીક છે! આટલું હું એ બાઇને આપુ છુ તે ઓછુ નથી! આટલું ય એ બાઇને આપનારુ બીજુ કોણ છે? એ તો હું ઉદાર છુ એટલે આપુ છુ. મારો દયાનો જીવ ખરો ને!’ 

              આમ, છેવટે ગંગા ડોશી કંતાનનો કકડો, કોથળો અને સાડલાનો ફાટેલો ગાભો લઇને સાધુ પાસે આવી બોલી; ‘લો મહારાજ, મારી પાસે આ જ છે!’

              સાધુએ બધું લઇને કહ્યું; ‘લાવો માજી! તમે જે આપ્યું એ સોનાનું !’

              પછી તેણે કહ્યું; ‘માજી, એ બાઇ માટે કંઇ ખાવાનું આપી શકો તો સારુ!’

              ગંગા માએ કહ્યુ; ‘જોઉં ઘરમાં કંઇ હોય તો!’

              ઘરમાં તો બધું ઘણું હતું. મીઠાઇઓના થાળ ભરેલા હતાં, તે મેવાની બરણીઓ ભરેલી હતી, પણ ગરીબ ભિખારણ બાઇને એવા મેવા મીઠાઇ કેમ અપાય? મેવા મીઠાઇ ખાવામાં એ શું સમજે? તો શું આપું? આજે ફક્કડ માલપૂઆ બનાવ્યા હતા, ફરસાણ પણ બનાવ્યું હતું, તેમાંથી થોડું વધ્યું પણ હતું. ગંગામાએ કાઢ્યું પણ વળી એને થયું;  ‘ ઊંહું ! આવું રૂપાળુ ખાવાનું તે વળી આવી ગંદી બાઇને અપાતું હશે? એ શું સમજે આ ખાવામાં! હા, ઠીક યાદ આવ્યું! કાલની એક વાસી રોટલી પડી છે. કૂતરાને નાંખવા કાઢી રાખી છે પણ પીટ્યું કૂતરુ આજે આવ્યું નહીં એટલે પડી રહી છે. તે આપુ આ બાઇને! ખાશે ને ખુશ થશે!’

              આમ કહીને કૂતરાને નાંખવાની વાસી રોટલી લઇને એ બહાર આવી અને સાધુની સામે ધરીને બોલી; ‘લો મહારાજ મારી પાસે તો આ જ છે.’

              સાધુએ કહ્યું; ‘લાવો માજી! તમે જે દીધું એ સોનાનું.’

              પછી સાધુ ગંગાનું ઘર છોડી જમાના ડોસીને ઘેર ગયો. જમાનાના ઘરનું તો બારણું યે એવું જીરણ ને તૂટેલું હતું કે, જરી ખખડાવતા આખું ઉઘડી ગયું.

              જમાના ઘરના ખૂણામાં કોકડું વળીને પડી હતી તે આ અવાજ સાંભળી એકદમ બેઠી થઇ ગઇ, ને દોડતી બારણા આગળ આવીને ઊભી. જુએ છે તો સામે સાધુ મહારાજ! જમના સાધુને ઓળખતી હતી. એના જેવા ગરીબ માણસોની એ નાની મોટી સેવા કરતો હતો, એટલે ઓળખે જ ને! સાધુને જોતાં જ જમનાથી બોલાઇ ગયું, ‘પધારો પધારો, મહારાજ પધારો! આજે મારું આંગણુ પાવન થઇ ગયું.

              પણ બોલી નાંખ્યા પછી તરત જ એ ભોંઠી પડી ગઇ. સાધુને ઘરમાં પધારવાનું નિમંત્રણ તો આપ્યું, પણ ઘરમાં એમને બેસાડવા જેટલી કોરી જગ્યા ક્યાં હતી?

              સાધુ એ સમજી ગયા. તેમણે કહ્યું; ‘મનમાં કશું લાવશો નહીં, માજી! અત્યારે તો હું એક ખાસ કામે આવ્યો છુ. એક બાઇ અત્યારે મારે આશરે આવી છે. એના ઘરબાર, માલમિલકત બધું પૂરમાં તણાઇ ગયું છે, ને માત્ર પહેરેલે લૂગડે એ ભાગી છૂટી છે. એના વાસ્તે કંઇ લૂગડું ઓઢણપાથરણ અને ખાવાનું માંગવા હું અહીં આવ્યો છુ! તમારાથી કંઇ બને એવું હોય તો આપો! ’

              ‘જરૂર આપુ! એમાં શું? બિચારી મારા જેવી કોઇ અભાગણી હશે!’ જમાના બોલી અને વધારે વાતચીત કરવા ન રોકતા તે તરત ઘરમાં પાછી ફરી. ઘરમાં ચારે તરફ નજર કરીને એણે જોયું - બાઇને આપવા જેવું કંઇ હોય તો! પણ એના ઘરમાં હતું શું તે? એક ફાટેલો સાડલો ખીટીએ લટકતો હતો. એ આપવાનું મન થયું, ત્યાં એને થયું; ‘ઊહું, બાપડીને આવું શું આપું? આપવું તો અંગ ઢંકાય એવું આપવું!’ એક બીજો સાડલો પડ્યો હતો તે હાથમાં લીધો ત્યાં વળી એને થયું; ‘ઊહું, બહુ જુનો છે, હવે મહિના દહાડાથી વધારે ચાલે તેવો નથી! બાપડી મારા જેવી ગરીબ છે એટલે વરસ દહાડો પહેરે એવું એને કંઇ આપ્યું હોય તો કામનું! હં ઠીક યાદ આવ્યું! પેલો એક કોરો સાડલો  દિવાળી-ઝયણી પર પહેરવા સારુ સાચવીને રાખી મેલ્યો છે એ આને આપુ! બાપડી બાર મહિના બે વરસ પહેરે ઓઢે તો ખરી! અને હું તો ખર્યું પાન છુ, મારે દિવાળી શું અને ઝાયણી શું? મારે તો જેવું લૂગડું હશે તેવું ચાલી જશે!’

              આમ, વિચારી એણે સાચવી રાખેલો સાડલો કાઢ્યો, પછી ઓઢણ પાથરણ જેવું શું આપવું? ‘બાપડી ગરીબ બાઇ છે. ઓટલા પર પડ રહેતી હશે ને ટાઢે કકડતી હશે. આ ગુણિયું પડ્યું છે તે આપુ? આ કોથળો આપુ? આ કંતાનનો ટુકડો આપુ? ઊંહુ! બાપડી બહુ દુઃખી છે. એને આવું આપીને એનું દુઃખ શું કામ યાદ કરાવવું? તો શું આપું?  આ ... હું જ ફાટેલી ગોદડી પર ફાટેલો કામળો ઓઢીને પડી રહુ છુ તો! શું? હું કોથળો ઓઢીને કંતાન પર પડી રહીશ મને કંઇ મોત ખાઇ જવાનું નથી! મોત છે જ ક્યાં? મારુ તો પીટ્યું મોત જ મરી ગયુ છે!’

આવા દુઃખમાયે એને જરી હસવું આવી ગયું. એણે પોતાનું ઓઢણપાથરણ પેલી બાઇને માટે લીધું. એ બધું સાધુને આપી એણે કહ્યુ; ‘લો, મહારાજ, મારા ગરીબ ઘરમાં તે આ છે!’
         
          સાધુએ બંને હાથ લંબાવીને જમના ડોશીએ આપેલી ચીજો લીધી, ને કહ્યુ; ‘મા, તમે જે આપ્યું તે હીરાનું!’

          ‘હીરાનું જ તો! મારે મન બધું હીરાનું છે!’ આમ કહી એ હસી.
          પછી સાધુએ કહ્યુ; ‘માજી, એ બાઇ માટે તમારે ત્યાંથી કંઇ ખાવાનું મળી શકશે? બાપડી દુઃખથી એવી બાવરી થઇ ગઇ છે કે એને અત્યારે કંઇ ખાવાનું દેવાની જરૂર છે!’

          આ સાંભળતામાં તો ડોશી છૂટી ઘરમાં! આવતીકાલ માટે રાખી મૂકેલો એક રોટલો હતો તે જ આ બાઇ માટે આપવાનું તેણે નક્કી કરી નાખ્યું. તે મનમાં બોલી; ‘એક દિવસ ભૂખી રઇશ તો હું કંઇ મરી જવાની નથી! અરે, મોત છે જ ક્યાં? મારું તો પીટ્યું મોત જ મરી ગયું છે!’ વળી એ હસી! એકાએક જાણે એના હાસ્યથી એ અંધારા ઘરમાં અજવાળું થઇ ગયું હોય એવું એને લાગ્યું.
          એકદમ જમના ડોશી રોટલો લઇને પાછી ફરી, ને રોટલો સાધુને આપી બોલી; ‘લો,મહારાજ મારી પાસે તો આ છે!’

          સાધુએ બે હાથમાં રોટલો સ્વીકારી કહ્યુ; ‘ મા, તમે જે આપ્યું તે હીરાનું!’

          ‘હીરાનું જ તો! મારે મન બધું હીરાનું!’ આમ કહી જમના ડોશી હસી.
          પછી સાધુ ચાલી ગયા, ને જમના ડોશી બારણાં બંધ કર્યા વગર જ ઘરમાં જઇને એક ખૂણામાં કોથળો પાથરી શણિયું ઓઢીને બેઠી.
          થોડી વાર પછી ગંગા એના ઘરમાં હૂંફાળી રજાઇઓ ઓઢીને સૂઇ ગઇ, અને જમના એની ઝૂંપડીના એક ખૂણામાં કોકડું વળીને પડી.
          દરમિયાન વરસાદનું જોર ખૂબ વધી ગયું હતું. જાણે બારે મેઘ ખાંગા થયા. તાપીમાં પૂર ચડતું જતું હતું. રાત પૂરી થવાને હજી વાર હતી, તે પહેલાં તો તાપીએ માઝા મૂકી, ને કાંઠા તોડી એનું પાણી ચારે તરફ ધસી ગયું. અચાનક ‘ભાગો! ભાગો! રેલ આવી છે!’ ની બૂમો પડી. એ સાંભળી ગંગા- જમનાની ઉંઘ ઉડી ગઇ. વીજળીના ઝબકારામાં એમણે જોયું તો પૂરનું પાણી છેક એમનાં ઘર સુધી આવી ગયું હતું. ચારેકોર પાણી જ પાણી હતું. ‘બાપરે!’ કરતી બેઉ પહેરેલ લૂગડે ઘરમાંથી બહાર દોડી. ચારેકોર પાણી જોઇ ગંગા એવી ભયભીત થઇ ગઇ હતી કે જમનાને જોઇ એકદમ એ એને વળગી પડી. જમના શરીરે જરા કાઠી હતી, તેથી સમતુલા સાચવી શકી નહી તો બંને ઢગલો થઇને પાણીમાં જ પડ્યાં હોત.

          જમનાના ટેકે ટેકે ગંગા એ ચડતા પાણીમાંથી બહાર નીકળી ઉંચી જગાએ વડ હેઠળ આવી ઉભી. કળ વળે એટલી વાર બંને ત્યાં ઉભા, એટલામાં વીજળીના ઝબકારામાં તેમણે જોયું તો હજીયે ચડતું હતું. અને હવે તો ગંગાના ઘરની ઘરવખરી પણ પૂરમાં તણાતી જતી હતી!

          ગંગાથી રાડ પડાઇ ગઇ; ‘બાપ રે, હું ભિખારી થઇ ગઇ! મારું બધું પૂરમાં તણાઇ ગયું!’ બોલતાં બોલતાં વળી એ જમનાની ડોકે બાઝી પડી.

          જે જમનાની સામે જોવામાં ય એને નીચાજોણું લાગતું હતું તે જમના જ આજે પોતાની લાગી.

          ગંગાનું દુઃખ જોઇ પોતાનું દુઃખ તો જમના ભૂલી જ ગઇ. એણે એને આશ્વાસન આપતાં કહ્યું; ‘જેવી ભગવાનની મરજી, બહેન! પૂરમાં આપણો જીવ બચી ગયો એમ કહોને! નહીં તો, આપણેય તણાઇ મૂઆ હોત!.’

          વાત ખરી હતી. પૂર એવી ઝડપે આગળ વધતું હતું કે, મોંડુ થયું હોત તો બંને એમાં ફસાઇ ગયા હોત!

          વળી એક ઝબકારો થયો ને એના અજવાળામાં ગંગાએ જોયું તો એનું ઘર – એનો બંગલો પૂરના માર હેઠળ માટીના ખોરડાની પેઠે ફસડાઇ પડ્યો હતો ને ઘડ પછી એના રોડાયે હાથ નહીં લાગે એવી એની હાલત હતી!

ગંગાના મોંમાથી ચીસ નીકળી ગઇ;‘ ઓ મા! હવે શું થશે? હું ઘરબાર વગરની થઇ ગઇ! હવે હું ક્યાં જઇશ! શું કરીશ? કોણ મને રોટલો આપશે? માડી રે!’

અચાનક જમનાને પેલા સાધુબાવા યાદ આવી ગયા. ગરીબ નિરાધાર માણસોને એ આશરો આપતા હતા. એમનો મઠ પણ ટેકરી પર ઉંચી જગાએ હતો. અત્યારે તો એ જ એક માત્ર આશરો દેખાતો હતો.
તેણે ગંગાને કહ્યુ; ‘પેલી ટેકરી પર સાધુબાવા રહે છે. તેમને ત્યાં જઇએ! આપણાં જેવા નિરાધારોને એ કાયમ આશરો આપે છે.’
ગંગાને પણ એ વાત બરાબર લાગી. એટલે બંને જણા એકમેકના ટેકે ( વધારે ટેકાની જરૂર ગંગાને હતી, અને તે એને જમાનાએ આપ્યો હતો.) તેઓ બંને ટેકરી પર પહોંચ્યા.

ટેકરી પર સાધુનો આશ્રમ હતો. આશ્રમના આંગણામાં જ સાધુ ઊભો હતો. ગંગા- જમના ને પોતાની તરફ આવતા જોઇ તેણે સામેથી કહ્યું; ‘આવો ગંગામા! આવો જમાનામા! હું ક્યારનોય તમારી જ વાટ જોઉં છું.’

સાધુને જોઇ ગંગાએ એના પગમાં પડતું મુક્યું ને ડૂસકે ડૂસકે રડવા માંડ્યું. તે બોલી; ‘સાધુ મહારાજ મારું તો ઘરબાર, માલમિલકત બધું તણાઇ ગયું. હું રસ્તાની ભિખારણ થઇ ગઇ! હવે શું થશે મારું?’

જમાનાએ પણ સાધુને પગે લાગી કહ્યું; ‘મહારાજ, હું ય બધું ય ખોઇ બેઠી છું.’

સાધુએ બંનેને બેઠા કરી કહ્યું;‘ બધું નથી ખોઇ બેઠા તમે! થોડું બચી ગયું છે!’
‘હેં બચી ગયું છે? શું બચી ગયું છે? મને કહો, મહારાજ મને કહો! મારું શું બચી ગયું છે?’ ગંગાએ આજીજી કરી કહ્યું.

‘કહું – રહો !’ એમ કહી સાધુ ઘરમાં ગયા, ને ગંગા ડોસીએ એમને જે કોથળો, કંતાનનો કકડો, ફાટેલો સાડલો ને વાસી રોટલો આપ્યા હતાં તે લઇ આવી તેની સામે ધરી બો્લ્યા; ‘ગંગામા, તમારા ઘરમાંથી આ બચી ગયું છે!
પછી જમનાએ આપેલો નવો સાડલો, ગોદડી, કામળો ને રોટલો જમનાને આપી સાધુએ કહ્યું; ‘અને જમનામાં, તમારા ઘરમાંથી આ બચી ગયું છે!’

બંને ડોસીઓ આભી બનીને જોઇ રહી.
સાધુએ કહ્યું;‘ જે તમે બીજાને માટે આપ્યું તે તમારું બચી ગયું ને તમે તમારા માટે રાખ્યું તે પૂરમાં તણાઇ ગયું! હવે આ જે ચીજો બચાવીને તમે મને આપી હતી તે હું તમને પાછી આપું છુ! તે તમારી જ છે, તમારા માટે જ છે, સંભાળો!’
જમના ડોસી વહેલી સ્વસ્થ થઇ ગઇ હતી. તેણે કહ્યું; ‘ મહારાજ, અમે તો આ બધું બીજાને માટે આપ્યું હતું!’

સાધુએ હસીને કહ્યુ;હા, બીજાને માટે આપ્યું હતું! પણ એ ‘બીજુ’ બીજુ કોઇ નથી, પણ તમે પોતે જ છો! તમે જે આપ્યું તે કોઇ બીજાને નહીં, પણ તમને પોતાને જ આપ્યું હતું. માણસ દાન કરે છે તે કોઇ બીજાને નહીં, પણ પોતાને જ કરે છે.

ગંગાડોસી બોલી ઉઠી;ઓહ! મને આ ખબર હોત - મહારાજ, મને આ ખબર હોત!‘ બોલતાં બોલતાં તે વિહવળ બની ગઇ!


           સાધુએ બંને ડોસીઓના મસ્તક પર હાથ મૂકી કહ્યું;ભગવાન પરમ દયાળુ છે! તેની તમારા પર કરૂણા હો!’    

No comments:

Post a Comment